શ્રી સોજીત્રા સંભા વિશા મેવાડા દિગંબર જૈન ટ્રસ્ટ,સોજીત્રા(મોટુ પંચ)

આપણું સોજીત્રા - મારું ગામ - મારાં સંસ્મરણો 'ગામ' અથવા 'ઘર' શબ્દો સાંભળતાની સાથે જ જનમતું સંવેદન લગભગ કોઇ અંતરંગ અંતરંગ મિત્રનો મેળાપ થયાની પ્રસન્નતા અનુભવાય છે. પ્રૌઢવસ્થામાં આપણા ભુતકાળમાં અતિતમાં જયારે ડોકીયું કરીયે ત્યારે આપણે પહેલી નજરમાં શું શું જોઇશું? સૌ પ્રથમ આપણું જન્મ સ્થળ - આપણું ઘર જયાં આપણું બાળપણ વિત્યું.આપણું ગામ જયાં આપણે કેટકેટલું રમ્યાં! કેવું કેવું વિચાર્યુ! કયાં કયાં ફર્યા! કયાં કયાં ભણ્યા! કેવા કેવા મિત્રો સાથે ગિલ્લીદંડા રમ્યા! આ નાનપણની જિંદગીનો હિસાબ તો આપણે કેવી રીતે કરવાના? આજે પણ જયારે ગામ સોજીત્રા જવાનું થાય છે ત્યારે ગામ પહેલાંની ૫-૭ કિ.મી. ની મુસાફરીની ક્ષણોમાં મારી ઘણી બધી લાગણીઓને તે ધરતીની ફોરમ અને હવા મને ઉશ્કેરે છે. ગામની ભાગોળ પહોંચતાં તો હું ભુતકાળમાં ખોવાઇ જાઉં છું.આ ધરતી - આ બાલમંદિર - પાણીનો કુંડ - બંને ટાવર્સ - મઠીયાં તરીકે જાણીતી મારી પ્રાથમિક શાળા - એ બજાર - એ રેલ્વે સ્ટેશન સાથેનો મારો ભુતકાળ અને સૌથી વધું ગાઢ સંબંધ જેની સાથે હતો અને હજી આજે પણ એવી મારી એમ.એમ.હાઇસ્કુલ.

નજીકના ભુતકાળમાં જાણવા મળ્યું કે આ મારી શાળા નવપલ્લીત થઈ રહી છે ત્યારે તો હૈયામાં ઘણી જ ટાઢક વળી.આજ શાળાના એક ભુતપૂર્વ વિધાર્થીએ તેની શાળાનાં રૂપ-રંગ બદલીને એક નવોઢાની જેમ સજાવવાનું બીડું ઝડપ્યું છે. - એ તો એક આ ગામના સુપુત્ર માટે ગર્વ કરી શકાય તેવી બીના છે. સૌ પ્રથમ મારી શ્રી જયદેવ પટેને સલામ. ધન્ય છે આપનાશાળા પ્રેમ અને ગામ પ્રત્યેની લાગણીઓને.

મારાં મુળિયાં સોજીત્રામાં છે. આપણે ધરતીના છેડે જઈએ કે દરિયાપાર જઈએ પણ વતન અથવા જન્મભૂમિ પ્રત્યેનો લગાવ કંઇક અનેરો હોય છે. વર્ષો પહેલાં એક ટી.વી. પ્રોગ્રામમાં જગતભરમાં જાણીતી થયેલ સંગીતકાર શ્રી ઝુબીન મહેતાની નવસારીની ગલીઓમાં ફરતા બતાવ્યા હતા. તે વખતે શ્રી મહેતાની આંખમાંથી અશ્રુધારા થાય છે અને પોતે બોલી ઊઠે છે - "શું મારા બાપ-દાદા અહીં જ વસતા હતા? હું તો અહી આવીને ધન્ય ધન્ય થઈ ગયો." અને રસ્તા પર પડેલી ચપટી ધૂળ લઈ માથે ચઢાવી! હું પણ જયારે મારાં બાળકો સાથે ગામમાં આવું અને તેઓને વિવિધ સ્થળોએ ફરવા લઈ જાઉં છું ત્યારે વારંવાર બોલી ઊઠું છું - 'અમે અત્રે રમતા - આ મારી શાળા છે. વિ.વિ. મારી સાથે સાથે બાળકો પણ લાગણીઓથી ભીંજાતા જતાં મને દેખાય છે.' "એલેકસ હેલી" નું પુસ્તક (Roots) જયારે વાંચવામાં આવ્યું ત્યારે સમજાયું કે તેણે પોતોની સાત પેઢીનાં મૂળિયાં ખોળવા અથાગ પરિશ્રમ વેઠયો હશે? મને પણ આ પુસ્તક વાંચ્યા પછી 'સોજીત્રા' વિષે વધુ જાણવાની ઇચ્છા થઈ. મને જે કંઈ જાણવા મળ્યું તે હું મારા મિત્રો સાથે આજે 'Share' કરવા માંગુ છું, 'ચરોતર સર્વ સંગ્રહ' અને આપણી જ હાઇસ્કુલની ભૂતકાળમાં પ્રસિદ્ધ થયેલ 'સ્મરણિકા' ના આધારે મળેલ માહિતી અત્રે રજુ કરું છું.

એક કાળે ખંભાત પાસેનું નગરા ગામે જયારે મહીસાગર સંગમ ઉપરનું મુખ્ય બંદર હતું ત્યારે ત્યાંથી નીક્ળી દેશમાં દુર-દુર સુધી ફેલાયેલા ધોરી રાજમાર્ગો સોજીત્રામાં થઈને પસાર થતા હતા. તે સમયે સોજીત્રા એ વેપાર - ઉધોગનું મહત્વનું કેન્દ્ર હતું.

મિસરના ગ્રીક "ટોલોમી"(ptolemy) ની ભુગોળ (ઇ.સ. ૨ જી સદી) માં ગુજરાતનું નિરૂપણ આવે છે. આમાં મહી-મીનનગર અને સોજિત્રાનો ઉલ્લેખ છે. અલબત્ત આ ગ્રીક ગ્રંથમાં ભારતીય સ્થળોનાં નામ ગ્રીકરૂપમાં આપવમાં આવેલ છે. જેમ કે બરીગાઝા(ભરૂકચ્છ), નેમડોસ(નર્મદા) મોફીસ(મહી) એવી રીતે સોજીત્રા માટે એમાં સઝન્તિયોન રૂપ પ્રેયોજયું છે. સ્થાપત્યની દ્રષ્ટિએ કુંડ અને દિગંબર જૈનોનાં દેરાસરો ઘણાં જ અગત્યના છે. હિંદુ મંદિરોમા સોજીત્રામાં જુનામાં જૂનું કોઇ મંદિર હોય તો તે શ્રી ખોજાઇ માતાનું મંદિર (ક્ષેમકલ્યાણી માતા). આ સ્થેળે પૂર્વે બૌદ્ધ મંદિર હોવાની શકયતા જણાઇ આવે છે કારણ કે આ મંદિરની આજુ-બાજુના વિસ્તારમાંથી બૌદ્ધ પ્રતિમાઓના અવશેષો જોવા મળે છે.પુરાતત્વીય તથા સાહિત્યિક સાધનો પરથી સોજીત્રા અતિપ્રાચીન હોવાનું માલુમ પડે છે. અહીં મોર્યકાલી (લગભગ ઇ.પૂ. ૩૨૨-૧૮૫) ની મોટી ઇંટો મળી છે. ગામમાં આવેલ કુડના તળીયેથી બે ખંડિત પ્રાચીન શિલ્પક્રુતિઓ મળી હતી. તે ડુંગરપુર પ્રદેશની ખાણમાં મળતા પાષાણમાથી ઘડેલી છે. આ કુંડમાંથી બીજી ખંડીત મૂર્તિ સૂર્યદેવની પણ મળી છે. આ બંને શિલ્પક્રુતિઓ હાલ વલ્લભ વિધાનગરના યુનિવર્સિટી મ્યુઝીયમમાં છે.

પ્રા. ડો. કાંતિલાલ દવેના મત પ્રમાણે ચરોતરનાં ગામોમાં પુરાણીનગરી સોજીત્રા મુકુટમણિ સમાન શોભે છે.અને એટલે જ કહેવાય છે. ચારસે ચરોતરમાં શીશ સોજીત્રા પ્રાચીનકાળથી શ્રી અને સરસ્વતીની ઊભયની ઉપાસનામાં અગ્રેસર એવી આ નગરી એના સ્વાતંત્ર્ય સેનાનીઓ, રાજકારણીઓ, ચિંતકો અને લેખકો, ઉધોગવીરો, દાનવીરો, દાકતરો જેવા નવરત્નોથી મશહુર છે. ક્રાન્તિકારી પુસ્તક "ઇશ્ર્વરનો ઇન્કાર" લખનાર શ્રી નરસિંહભાઇપટેલ, વિધાનગરના વિશ્વકર્મા સ્વ.શ્રી ભાઇકાકા, પ્ર્ખ્યાત શિલ્પકાર શ્રી કાંન્તિભાઇ પટેલ, વિધાક્ષેત્રે સોજીત્રા તથા એમ.એમ.હાઇસ્કુલનું નામ રોશન કરનાર શ્રી અમૃતલાલ ભીખાલાલ શાહ (પ્રો.એ.બી.શાહ) કે જે ઇ.સ.૧૯૩૭ માં સમગ્ર મુંબઈ યુનિવર્સિટી (તે સમયે મહારાષ્ટ્ર વિદર્ભ કરાંચી - ગુજરાતનો પ્રદેશ) મેટ્રીકમાં પ્રથમ નંબરે પાસ થયેલ ડો.ભાસ્કરભાઇ પટેલ (મા. આરોગ્ય પ્રધાન - મુંબઈ રાજય), ડો.ઠાકોરભાઇ પટેલ (મા.મેયર વડોદરા તથા મા.આરોગ્ય પ્રધાન, ગુજરાત રાજય), શ્રી જી.એસ.પટેલ (માજી.ચેરમન યુ.ટી.આઇ. ), સ્વતંત્ર ચળવળમાં ભાગ લેનાર શ્રી વિઠ્ઠલકાકા, શ્રી પશાકાકા, શ્રી મૂળજીભાઇ, શ્રી શાંતિભાઇ(સંત)અને દેશ-પરદેશના બીજા ઘણાં ક્ષેત્રોમાં ભાગ લેનાર નામી-અનામીઓને મારા નતમસ્તકે પ્રણામ.શિક્ષણક્ષેત્રે સોજીત્રામાં શ્રી ડાહ્યાઈ મનસ્વી, શ્રી મોતીભાઈ,મથુરભાઈ પટેલ, જીવાભાઈ હિરાભાઈ તથા પટેલ રામાભાઈ દાભાઈ,ગામને મીઠું પાણી આપનાર શ્રી રતિભાઈ પટેલ, શ્રી સી.એસ.પટેલ(માજી વા.ચાન્સલર,વડોદરા યુની.), ડો.હીરાભાઈ પટેલ, શ્રી અંબુભાઈ(પાંડેચરીવાળા)ને તો કેમ ભૂલાય? નજીકના ભૂતકાળમાં રાજકીય ક્ષેત્રે શ્રી યોગેન્દ્ર મકવાણાની કેન્દ્રીય પ્રધાન તરીકેની સેવાઓ પણ નોંધપાત્ર છે. અમારી સાથે અભ્યાસ કરતા સ્વ.શ્રી કાંન્તીભાઈ કાલાણીએ પણ સાહિત્યક્ષેત્રમાં એક ચિંતક તરીકે નામ રોશન કર્યું છે. મહાગુજરાતની ચળવળમાં સક્રિય ભાગ લેનાર શ્રી સત્યમભાઈનાં ભાષણો સાંભળવા ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહેતાં શ્રી સત્યમ પટેલની છટા અને ભાષા ઉપરનો કાબુ લોકોને મુગ્ધ કરી દેતો.ઇતિહાસની થોડી ખણખોતર કરતાં જણાય છે કે પાટીદારોના મૂળ પુરુષ જેસંગ પટેલ દેવાતનથી આવેલા અને તેઓ કદાચ પંજાબ બાજુથી ગુજરાતમાં આવીને વસ્યા હશે.સોજીત્રામાં બાજખેડાવાળની વસ્તી ઘણી જ મોટી સંખ્યામાં છે. કહેવાય છે કે તેઓના બાપ-દાદા દક્ષિણ ભારતમાંથી ગુજરાતમાં આવેલ.વિધિના લેખ કેવા કહેવાય? આજે સોજીત્રાના બાજખેડાવાળ બ્રાહ્મણોનાં આશરે ૪૦૦ કુટુંબો વળી પાછા દક્ષિણમાં મદ્રાસ જઇને વસ્યા છે! ગામમાં મેવાડા વાણીઆનાં લગભગ ૧૫૦ - ૨૦૦ કુટુંબો હતાં.મેવાડાનો ઇતિહાસ પણ રસપ્રદ છે.હું મેવાડો હોવાથી થોડો રસ લઇને અમારી ક્રાન્તિનો ઇતિહાસ ખોળતો હતો અને મને નીચે પ્રમાણેની વિગત મળી તે ટુંકમાં જણાવું છું.

ઈ સ. ૧૫૭૬ ના જુન માસમાં હલ્દીઘાટીના યુધ્ધમાં રાણા પ્રતાપની હાર થઈ તેણે લોકોને કહુયું કે ગુલામ તરીકે જીવવા કરતાં લીલીછમ મેવાડ ખાલી કરો. ઉદેપુર નજીક ભટેવર ગામમાંથી ૩૫ કુટુંબો જે ' હુમડ દિગંબર જૈન ' તરીકે ઓળખાતા હતા. તેઓ સાબરમતીના કિનારે-કિનારે ગુજરાત આવી સોજીત્રા ગામમાં વસ્યા. અત્રે આવીને પારસીઓ માફક ગામના સમાજમાં દૂધ-સાકરની જેમ ભળી ગયા. અત્રેથી રોજી-રોટી અથે ગુજરાતનાં બીજાં ૬૪ ગામમાં અમારી વસ્તી પ્રસરી ગઈ. હાલમાં અમારો સમાજ 'સોજીત્રા સંભાના વિશા મેવાડા' તરીકે જાણીતો છે. આ બધાં જ ગામોમાં કુલ ૧૮૦૦ થી ૧૯૦૦ કુંટુ્બની વસ્તી હશે. પાટીદારો માફક હવે યુ.એસ.એ.તરફનો પ્રવાહ વધ્યો છે. યુ.એસ.એ. માં લગભગ ૬૫૦ થી ૭૦૦ કુંટુંબોએ વસવાટ કયો છે. મેવાડા સમાજની કુળદેવી " શ્રી શાશનદેવી માતા" સોજીત્રામાં છે. દુનિયાના કોઇપણ ગામે લગ્ન કરે પણ માતાનાં આશીવાદ લેવા સોજીત્રામાં આવવું લગભગ ફરજીયાત છે. ઇ.સ. ૧૯૫૫-૫૬ સુધી બધા જ મેવાડાઓ વેશાખ માસમાં સોજીત્રા આવીને રહે,બધાં જ લગ્નો તે સમયે થાય. પોતાનું રહેઠાણ ન હોય તો મકાન ભાડે લઈને રહેતા. આમ અત્યારના સમુહલગ્ન કરતાં પણ આ રીતે થતાં લગ્નો ઘણી જ કરકસરથી અને તદ્દન ઓછા ખર્ચામાં પતી જતાં. તે સમયે કહેવાતું કે "આનું નામ વાણીયો ડાહી માનો દિકરો !" દિગંબર સમાજનાં ગામમાં દેરાસર હજી આજે પણ છે. જેમાનું એક દેરાસર ગામમાં નગરશેઠ તરીકે જાણીતા શ્રી મુળચંદ હરીલાલના વડવાઓએ ઇ.સ.૧૮૨૧માં બનાવેલ. ગામમાં એક શ્ર્વેતાંબર જૈન મંદિર પણ ભવ્ય રીતે બનાવેલ છે. અફસોસ એ વાતનો છે કે ભવિષ્યમાં જૈનોની લુપ્ત થઇ જતી વસ્તીને લઈને આ દેરાસરોમાં સેવા પુજા-પાઠ કોણ કરશે? આજેય મને બરાબર યાદ છે કે કુંડવાળી ભાગોળે ઘર્મશાળાના નીચેના મકાનના રસ્તા ઉપર પડતી રૂમમાં એક બાળમંદિર હતું.બનતા સુઘી મણીલાલ રણછોડદાસ બાળમંદિરની શુભ શરૂઆત આ મકાનમાં થઈ હશે. આ બાળમંદિરમાં મારી સાથે બેસનાર નવીનભાઈ જશભાઈ હતા. આ સિવાય બાળમંદિરના બીજા કોઈ મિત્ર યાદ નથી. આ મિત્રાચારી અમારી છેક શ્રી નવીનના બે વર્ષ પૂર્વે થયેલા અવસાન સુધી ચાલી! કેવી નિર્દોષ વયે થયેલી મૈત્રી છેક સુધી નભી! કોઈ લેવડ-દેવડ નહીં, કોઈ અપેક્ષા નહીં, નિર્દોષ મૈત્રી! મારા જીવનમાં કોઈની સાથે સૌથી લાંબા આયુષ્ય વાળી મૈત્રી તો નવીન સાથે જ. ભલે પછી તે સોજીત્રા, પેટલાદ-વિધાનગર, દેવાસ કે ઈંદોર રહેતો. પણ અમારી મૈત્રી ચિરંજીવી રહી. નવીન માટે એક જ અભિપ્રાય આપું તો તે છે "નવીન તો નવીન હતો!"

બાળમંદિર બાદ 'મઠિયા' તરીકે જાણીતી ડભોઉવાળી ભાગોળની શાળા કહેવાય છે કે આ જગ્યાએ પૂર્વે બૌદ્ધધર્મીઓનો મઠ હતો. તેથી માની શકાય કે સોજીત્રામાં કોઈક જમાનામાં બૌદ્ધધર્મીઓ પણ વસતા હશે. નિકટના ભૂતકાળ તરફ દ્રષ્ટિ કરતાં જણાઈ આવે છે કે સોજીત્રામાં જે વેપાર-ધંધા કરતા હોય તેમાં વાણીયાઓનો હિસ્સો વધુ હતો. પાટીદારો ખેતી કરતાં અને મોટા ભાગે સાહસ કરીને આફ્રિકા જઈને વસેલા. પરદેશમાં વસતા પાટીદારોના સોજીત્રાના મકાનો તો ખુલ્લાં જ રહેતાં કારણકે બાળકોનું શિક્ષણ સોજીત્રામાં જ થતું અને તેમની દેખભાળ કરવા કુટુંબના અન્યજણો અત્રે જ રહેતાં. તે જમાનામાં વાણીયાઓમાંથી ફકત એક જ કુટુંબ આફ્રિકા ગયેલ હતું. પાટીદારોની પરદેશની સારી આવક હોવાથી તેઓના રહેઠાણો સુંદર, મોકળાં અને જમાનાને અનુરૂપ રહેતાં.તેઓની વસ્તીમાં જાઓ તો ગામના બંને ભાગમાં ખાસ્સો ફેર લાગતો.અમારાં હિસાબે પટેલો સુધરેલા અને જમાનાની સાથે ચાલનાર તથા ઉદાર મનોવ્રુત્તિવાળા લાગતા. લગ્નમાં પરઠણનો રિવાજ બહુ કઠતો હોય તેમ લાગતું નહીં. અમારા સમાજનાં લગ્નો ગામમાંજ થતાં એટલે પટેલ મિત્રની જાનમાં બહારગામ જવાની મઝા આવતી. વાણીયાના સમાજમાં વિવાહ નાનપણમાં નક્કી થતા, લગ્નો મોડા થતાં. વિવાહ ભલે ૮-૧૦ વર્ષની ઉંમરે થાય પણ લગ્ન પહેલાં એક બીજાને મળવાની છુટ ન હતી ! મારા એક પટેલ મિત્ર સાથે પેટલાદ સ્ટેશને છોકરી જોવાનો પ્રસંગ બન્યો (તે સમયે કોલેજમાં હતો.) મારી હાજરીનો મને ઘણો જ ક્ષોભ થયો હતો. મારી ઈચ્છા વિરૂધ્ધ હું ગયો. વાતવાતમાં હું કંઈક બોલ્યો એટલે સામી પાર્ટીએ મારો ઉધડો લઈ નાખ્યો અને કહેવા લાગ્યો કે "વાણીઆ ભઈ અમારા પટેલોનો રિવાજોમાં તમે કશું સમજો નહીં એટલે તમારે ચુપ રહેવું!" મને યાદ છે ત્યાં સુધી આ સંબંધ બંધાયો ન હતો. કારણ ખબર નથી.

સોજીત્રામાં ભાગોળે ત્રણ, કુંડવાળી, ડભોઉવાળી અને ચાર કુવાવાળી. ગામમાં બધે જ ત્રણ રસ્તા ભેગા થતા અને કદાચ હજીપણ તેમ હશે ! જુના સોજીત્રામાં તો મારા ધ્યાનમાં ચાર રસ્તાવાળું ચકલું નથી. ગામમાં કાપડનો ધંધો ધમધોકાર ચાલતો. નાની મોટી ૩૦ થી ૩૫ દુકાનો. ચાર થી પાંચ મોટા વહેપારીને ત્યાં અમદાવાદ કરતાં સારી અને સસ્તી લગ્નપ્રસંગની બનારસી સાડી પણ મળે. મને અમદાવાદના મહાજનના એક વખતના પ્રમુખ અને દવાના મોટા વહેપારી શ્રી ચંદુલાલ પ્રેમચંદે કહુયું હતું કે, "એક જમાનામાં મારો ધોતીયાનો જોટો આવતો કારણ કે અમદાવાદ કરતાં બે આના ઓછો ભાવ ચાલતો !" કાપડના વહેપારની વાત ચાલી છે તો બીજી એક નોંધપાત્ર બીના એવી છે કે કાપડના રેશનીંગનું જમાનામાં સોજીત્રાના કાપડના વહેપારીઓએ સહકારી દુકાન કરી હતી અને રેશનીંગનું બધું જ કાપડ છાપેલી કિંમતે વેચાતું હતું. આજુબાજુના ગામડાં જેવા કે ડભોઉ, મલાતજ, દેવા, ડાલી, ગાડા, પીપળાવ, ઈસણાવ, મહેળાવ, તરમોવાડ વિ. ગામોના પાટીદારો સોજીત્રાથી કાપડની ખરીદી કરે. માલ ઉધાર લઈ જાય. વર્ષે હિસાબ કરીને પૈસા આપે. ઘરાકોની દાનત ચોખ્ખી, અમારી કાપડની દુકાનના એક પટેલ ઘરાકે ૨૭ વર્ષે વ્યાજ સાથે હિસાબ કરીને પૂરેપૂરા પૈસા ચૂકવવા આગ્રહ રાખ્યો હતો ! કાપડના વહેપારી વર્ષો પછી પણ સંજોગોવશાત ધંધો આટોપવાનો થાય તો પણ ૫ થી ૧૦ ટકાથી વધારે પૈસા ડૂબે નહીં. વહેપારી અને ઘરાક બંને પ્રમાણિક. કાપડના વહેપારીઓમાં અંદરોઅંદર ખોટી હરીફાઈ ન થાય. એકબીજાને ત્યાંથી જોઈતું કાપડ મેળવીને પણ ઘરાકને સંતોષ આપતો. ઈ.સ. ૧૯૫૮ સુધી ગામમાં વીજળી ન હતી. કેરોસીનના ફાનસો વપરાય. ચાંપ દબાવી ઘોડો ઊંચો થાય સાથે કાચની ચીમની ઊંચી થાય એટલે દીવાસળીથી દીવો પ્રગટાવવાનો. પણ એક રાતમાં એક જ દીવાસળી વાપરવાની. વપરાયેલ દીવાસળીથી ચીમની ઊંચી કરી દીવાસળી સળગાવીને જ બીજો દીવો થાય! ગામમાં ત્રણ મોટાં બજાર. મોટું બજાર, ડભોઉવાળી ભાગોળનું બજાર, ચાર કુવાની ભાગોળવાળું બજાર. ઘણાં જ કાપડ, સોનું, ચાંદી, તાંબા, પિત્તળનાં વાસણો મોટા બજારમાં, અનાજ, કરીયાણાની દુકાનો બીજા બે બજારમાં. શાકમાર્કેટનું આગવું મકાન હતું. મોચી બજારમાં ચંપલ-બુટ, સેન્ડલ બનાવીને જ વેચાય. વહેલી સવારે અંબામાતા ચોકમાં કેરી બજાર ભરાય. દરજીની ઘણી જાણીતી દુકાનો હતી. શ્રી ડાહ્યાભાઈ નવાં ઘરાંના છેડે છેલ્લી હરોળમાં રહે અને ત્યાં જ તેમની વર્કશોપ. શ્રી ડાહ્યાભાઈ વડોદરા, અમદાવાદના ગ્રાહકોને તેમને ત્યાં જઈ સેવા આપે. શ્રી ડાહ્યાભાઈ પણ તેમાના ઘરાકો સાથે સાથે U.S.A.પહોંચી ગયા હતા. દિવાળીના પર્વ ઉપર અમો બધા દિવાળી ઉજાવાવા સોજીત્રા જતા. દિવાળીમાં સર્વ મિત્રોને મળવાનો આનંદ હતો. ગાંધીના દરવાજા પાસે શ્રી આત્મારામ સુથાર હાથ કારીગરીથી લાકડાનો માફો બનાવતો.જેનો ઉપયોગ રજવાડાં કુટુંબો અને લગ્નપ્રસંગે કરવામાં આવતો. તેમના ગયા પછી માફો બનાવતા કોઈને જોયા નથી. ગામની સુધરાઈનો વહીવટ ઘણો જ સારો હતો. મારી યાદમાં તેના એક વહીવટદાર શ્રી રામભાઈ પટેલ હતા. તે જાતે ગામમાં રાઉન્ડ મારે અને ગામની સાફ-સફાઈ, દીવાબત્તી વગેરેનો ખ્યાલ કરે. મીઠાઈની એક-બે સુખડીઓની દુકાનો હતી. તેમનો ગુંદરપાક વખણાય. સોજીત્રાનો આતીઆનો લસણનો ચેવડો અને જાડી સેવો બહુ પ્રખ્યાત. ખંભાતી તાળાં અને શાક સમારવાની છરીઓ પણ સારી ક્વોલીટીની સોજીત્રામાં બનતાં. સોજીત્રામાં વીજળી ઘણી મોડી આવી પણ વોટરવરકર્સ ઘણાં જ વર્ષોથી ચાલતું. દિવસમાં ૮ થી ૧૦ કલાક પાણી મળતું. પાણીની ટાંકી તે જમાનામાં ઘણી જ સારી કહેવાય. ઉપર જવાની સીડી હતી. અમે બાળકો ઉપર ચઢીને સોજીત્રા ગામ જોતા. ભુગર્ભ ગટર યોજના વષો પહેલાં થયેલ પણ વિશ્વયુદ્ધ આવી જતાં વર્ષો સુધી સીમેન્ટની પાઈપો બોર્ડીંગના મેદાનમાં પડી રહી હતી. વીજળી ન હોવાથી ગામમાં ફકત બે રેડીયો હતા.એક રેડીયો રંગુનવાળા શ્રી બળદેવભાઈને ત્યાં અને બીજો હતો અમારી ખડકીમાં શ્રી ભગવાનદાસ ઝવેરદાસને ત્યાં. અગાસીમાં પવનચક્કી હતી. જેનાથી બેટરી ચાર્જ થાય જે વડે રેડીયો ચાલે. જયારે તેમણે રેડીયો વસાવ્યો ત્યારે ખડકીનાં બાળકોને રેડીયો સાંભળવા તેમજ જોવા બોલાવ્યા હતા. અમને ઉપરના રૂમમાં લઈ ગયા જયાં એક મોટા ટેબલ ઉપર રેડીયો હતો.દુર શેતરંજી પાથરીને અમને બાળકોને બેસાડ્યા. પ્રેક્ષક અને રેડીયો વચ્ચે એક લાંબી દોરી બાંધી હતી. જેથી અમારામાંનું કોઈ રેડીયો મચેડવા ન પહોંચી જાય ! જયારે મહાત્મા ગાંધીજીનું અવસાન થયું ત્યારે આ રેડીયો વચલામાળની બારી પાસે મુકયો હતો. જેથી નીચે ૩૦૦ થી ૪૦૦ માણસોનું ટૉળું સમાચાર સાંભળી શકે. પંડિત નહેરૂનું વાક્ય 'The light has gone out of our lives and there is a darkness everywhere' હજી મને યાદ છે.

ગામમાં ટેલિફોન ફકત સમડીચકલાની પોસ્ટ ઓફિસમાં હતો. એકવાર કોઈકના ઘરમાં આગ લાગી એટલે એક કાર્યકર્તાભાઈએ આ ટેલિફોનથી નડીયાદ ફાયર બ્રિગેડનો ફોન જોડયો અને સોજીત્રામાં ભયંકર આગ લાગી છે માટે જલદી બંબો મોકલો તેવી વાત કરી. અમે બધા બહાર ઓટલે ઊભા ઊભા સાંભળતા હતા. હજી રિસીવર મૂકયું નથી ત્યાં તો બહારથી કોઈ બોલ્યું કે આગ તો હોલવાઈ ગઈ છે એટલે બંબાની જરૂર નથી. તુરત જ કાર્યકર્તા ભાઈએ ફોન પાછો જોડાવ્યો અને બોલ્યા, 'Fire is popstpond at Sojitra,Don't send bombo!' બહારના પ્રેક્ષક વર્ગમાં એક હાસ્યનું મોજું ફરી વળ્યું. આવા આવા ઘણાં પ્રસંગો સ્મરણપટ પર આવે ત્યારે એકલા પણ હસી પડાય છે. ૧૯૪૨-૪૭ની અંગ્રેજૉ સામેની રાષ્ટ્રીય ચળવળ વેળાએ અમે બધાં તો ૧૦ થી ૧૫ વર્ષની વયના પણ અમારાથી થોડા મોટાઓ સાથે પ્રભાત ફેરી, સરઘસ-સભા વિ.માં ભાગ લેવાનું યાદ છે. તે જમાનામાં જાણીતા નેતાઓ શ્રી રાવજીભાઈ મણીભાઈ, શ્રી રાવજીભાઈ નાથાભાઈ, પેટલાદના શ્રી મણીભાઈ પરીખ, શ્રી બબલભાઈ, શ્રી પશાકાકા વિ.ના ભાષણો થતાં હાઈસ્કુલ બંધ થઈ ગઈ હતી અને તેની લેબોરેટરીમાં આગ લાગ્યાનું યાદ છે. સભા સરઘસોમાં "તકલી નથી પણ તીર છે... શીર કૂટે પણ આઝાદી ઘર આવે." ઈન્કીલાબ જીન્દાબાદના નારા લગાવતા. નામો તો યાદ નથી પણ ગામના ઘણાં જુવાનો બ્યુગલ લઈ આઝાદીનાં ગીતો લલકારતાં, આ જયંતી ગાંધીજીની જન્મતિથિ (ભાદરવા વદ-૧૨) ને દિવસે ગામમાં ઠેર-ઠેર ઝૂંપડીઓ બનતી. લત્તે લત્તે ગ્રામ સફાઈની હરીફાઈ થતી. મોગરાલાવમાં રાતના વખતે દીવા પ્રગટાવેલ એવી ઝુંપડી તરતી મુકવામાં આવતી. રાતના હજારો લોકો આ દ્રષ્ય જોઈ આનંદ પામતા. ઘણીવાર તો રાતના રાષ્ટ્રીય ગીતો ઉપર રચાયેલ ગરબાની પણ રમઝટ જામતી. ગામના જુવાનોની ધરપકડ પણ થતી. તે વખતના એક યુવક નેતા શ્રી નગીન પટેલનું નામ મને યાદ છે.

૧૯૪૭ની ૧૪મી ઓગષ્ટની રાતના બાર વાગે એમ.એમ. હાઈસ્કુલમાં ધ્વજવંદન થયેલ અને આઝાદીનો અનેરો ઉત્સવ માણ્યો તે પણ યાદ છે.૧૯૪૭મીની પંદરમી ઓગસ્ટના રોજ તો સોજીત્રાના લોક હીલોળે ચઢયા હતા.ગામમાં,શાળાઓમા,ચૌટામાં,કચેરીમાં સર્વ જગ્યાએ આનંદ-આનંદ હતો.પતાસાં,મીઠાઈઓ,સાકર વિ. સર્વત્ર જગ્યાએ વહેંચાતું હતું.અમુક મંદિરોમાં પ્રાર્થના પણ થયેલ.ચોરો આગળ ધ્વજવંદન અને કોઈ નેતાનું પ્રવચન પણ યોજાયેલ.મારી આછી પાતળી યાદદાસ્ત પ્રમાણે ધ્વજવંદન પછી પ્રવચન આપનાર ભાઈ(નામ યાદ નથી) હર્ષોલ્લાસમાં આવી જવાથી ઢળી પડ્યા હતા. અમારી ઉમરના છોકરાઓને ગાંધીજી અથવા સરદારનાં દર્શનનો લાભ મળ્યો ન હતો.મહાત્મા ગાંધીની એક જાહેરસભા વર્ષો પહેલાં કુંડવાળી ભાગોળે યોજયેલ તેમ જાણવા મળ્યું અને તે સમયે ગાંધીજીનો ઉતારો પૂ. વિઠ્ઠલકાકાની હવેલીમાં હતો તેમ જાણવા મળ્યું હતું.

સોજીત્રા એક સુખી ગામ ગણાતું. પ્રગતિશીલ પણ ખરૂ. કેળવણીક્ષેત્રે પણ આગળ પડતું ગણાય. ગામમાં બે બાળમંદિર,બે પ્રાથમિક શાળા, એક એ.વી. સ્કુલ અને એમ.એમ. હાઈસ્કૂલ જે હવે ૧૨૫ વર્ષેની થવા જાય છે. ૧૯૫૦-૫૫ સુધી તો આજુબાજુના ગામડાં જેવા કે ગાડા, ડભોઉ, પરોલ, મલાતજ, દેવા, ડૅલી, હથેળી, લીંબાલી, ઈસણાવ, પીપળાવ વિ. ગામોમાંથી રોજ રોજ ચાલીને સ્કુલમાં ભણવા આવતા કારણ કે અમારા સમયમાં સારા રસ્તા અને વાહન વ્યવહારનો અભાવ હતો. સ્કુલની ફી રૂ| ૩ થી ૧૦ માસિક હતી!

એમ.એમ હાઈસ્કુલ તે સમયે ગાયકવાડ સરકારના વહીવટથી ચાલતી એટલે ઘણાં શિક્ષકો તથા આચાર્યો બીજા શહેરમાંથી બદલી ઉપર આવતા. બહારથી આવેલ આચાર્યોમાં શ્રી જોષી, શ્રી દેરાસરી, શ્રી સહસ્ત્રબુદ્ધે વિ.ના નામ યાદ છે. સૌથી વધુ યાદમાં શ્રી આપાભાઈ સાહેબ છે. શિસ્તના જબરજસ્ત હીમાયતી શ્રી આપાભાઈ સાહેબ સાયન્સ અને મેથ્સ શીખવાડતા. તેમનાં સમયમાં વિધાર્થીઓએ ટોપી પહેરવી ફરજિયાત હતી. અમારા સમયે સ્કુલ યુનિફોર્મની પ્રથા ન હતી. ગમે તે રંગની ચડ્ડી કે પાયજામો પહેરાતો. ઘણાં પટ્ટાવાળો (નાઈટ ડ્રેસવાળો) પાયજામો પણ પહેરે. સ્કૂલ કંપાઉન્ડમાં પેસતા પહેલાં ખીસામાંથી ટોપી કાઢી પહેરી લેવાતી. આજના બાળકો અમને આવા પહેરવેશમાં જુએ તો કદાચ અમને બબુચકો જ કહે!

અમારા સમયના ઘણાં શિક્ષકોના નામ મને યાદ છે જેવા કે શ્રી આપાભાઈ, શ્રી મણીભાઈ, શ્રી ચતુરભાઈ, શ્રી ગોવિંદભાઈ, શ્રી ત્રિવેદી સાહેબ, શ્રી અમૃતલાલ વ્યાસ, શ્રી અંબાલાલ વ્યાસ, શ્રી જી.એચ.મહેતા, શ્રી ભાસ્કરભાઈ ખારોડ, શ્રી ડહ્યાકાકા, શ્રી મોંઘે, શ્રી ગોરધનભાઈ આ સર્વે વિશે લખાય તો પાનાનાં પાનાં ભરી શકાય. ટૂંકમાં, અમે નસીબદાર હતા કે આ બધાં જ આ જન્મ, આજીવન, આમરણ શિક્ષકો હતા. તે સર્વેમાં ઠોસ નિર્ભેળ શિક્ષકત્વ હતું. મને આનંદ એ વાતનો છે કે શાળા છોડયા પછી ઘાણાં વર્ષો સુધી શ્રી મહેતા, શ્રી ખારોડ અને શ્રી જી.વી.પટેલ સાથે સંબંધ ચાલુ રહયાં. આવા સાચા અને મોટા શિક્ષકો જ આપણા સંસ્કાર વારસની જાળવણી અને તેના વિસ્તરમાં આધારરૂપ હોય છે. આજના વાતાવરણમાં વિધાર્થીઓ તથા શિક્ષકો જોતાં એમ લાગે છે કે અમને ખરેખર મહાન શિક્ષકો મળ્યા હતા. તેઓને સ્મરણાંજલી પુષ્પ અર્પણ કરતાં ઘણો આનંદ થાય છે. સમયના વહી જવાથી ઘણી વાતો ભૂલાઈ ગઈ છે પણ મનમાંથી તેની છાપ જતી નથી.

મારા ગામ સોજીત્રાનાં સંસ્મરણો તો ઘણાંય છે. બધું લખીએ તો એક ૧૦૦ થી ૧૨૫ પાનાનું પુસ્તક થઈ જાય. ગામની દરેક પ્રવૃત્તિમાં રસ લઈ ખંતપૂર્વક પોતાની અથાગ મહેનત વડે આમ સમાજની સેવા કરનાર શ્રી ગોરધનભાઈની પ્રેરણા આ લેખ માટે જવાબદાર છે.

છેલ્લે એટલું જણાવું કે મારા સંસ્કાર વારસા માટે હું મારા ગામ સોજીત્રા અને મારી એમ.એમ.હાઈસ્કુલનો સદા ઋણી રહીશ.